આજે ચૈત્ર સુદ પૂર્ણિમા છે. આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. શ્રી હનુમાન રૂદ્રાવતાર ગણાય છે એટલે કે, ભગવાન શીવના અંશાવતાર છે અને ભગવાન રામના અનન્ય ભક્ત છે. વિશ્વમાં જે સાત ચિરંજીવી છે તેમાં એક શ્રી હનુમાનજી છે. હનુમાનજી શક્તિ અને જ્ઞાનના પ્રતીક છે આથી બુદ્ધિમતા વરિષ્ઠમ કહેવાય છે. તેમને સંકટમોચક કહેવાય છે. જેમની આરાધનાથી તમામ કષ્ટો, સંકટોનું નિવારણ થાય છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે રાજ્યભરમાં અનેક સ્થળોએ ભક્તિભાવ સાથે વિવિધ આયોજનો થઇ રહ્યા છે. ગઇકાલે અમદાવાદના પ્રસિધ્ધ કેમ્પના હનુમાન મંદિરથી હનુમાન યાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરમાં હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ઉજવણીની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. મહોત્સવ અંતર્ગત સંગીત કાર્યક્રમ, લોકડાયરો, અન્નકૂટ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર્ય રાકેશ પ્રસાદ દ્વારા “કિંગ ઓફ સાળંગપુર”ની 54 ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. આ પંચધાતુની મૂર્તી 30 હજાર કિલોનું વજન ધરાવે છે. આ ઉંચી પ્રતિમાનું સાત કિલોમીટર દૂરથી દર્શન થઇ શકશે. આજે ભોજનાલયનું ઉદઘાટન પણ થશે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે સાળંગપુર હનુમાન મંદિર 54 ફુટ હનુમાનજીની મૂર્તિના દર્શન કરશે તેમજ કષ્ટભંજન દેવ ભોજનાલયના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આજે ચૈત્ર સુદ પૂનમે શક્તિપીઠ અંબાજી અને બહુચરાજીમાં માઇભકતોની ભીડ જામી છે. બહુચરાજીમાં પૂનમના મેળામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટયા છે તો આરાસુરી મા અંબાના ચરણમાં શીશ ઝૂકાવવા ભાવિક ભકતો પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સલામતી વ્યવસ્થા સુદ્રઢ બનાવાઈ છે. સાળંગપુર ખાતે ગઇકાલે હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ વડતાલ ગાદીપતિ સહિત સંતોના હાથે મુર્તિને લોકાર્પણ કરાયું હતું. જે નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ અને અદભુત સુશોભન કરવામાં આવ્યું હતું. અમરેલીમાં ભુરખિયા મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે આજે ભવ્ય મેળાનું આયોજન કરાયું છે. આસપાસના વિસ્તારોમાંથી 35 થી 50 કિ.મી. પદયાત્રા કરીને એક લાખ જેટલા ભાવી યાત્રાળુઓ દર્શન કરવા પહોંચશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આયોજીત થતા આ ઉત્સવ માટે વાહન વ્યવહાર જાળવવા તંત્ર ખડે પગે રહેશે. પગપાળા યાત્રાળુઓ માટે સ્વયંસેવકો દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.